ઘડિયાળી જીવન

હા મને 'ઘડિયાળી'
જીવન નથી ગમતું
ઘડિયાળના કાંટા જાણે
મારી આત્મા હોય એમ
શરીર ને ચલાવે છે.

જાણે કાંટો આગળ નીકળી
જશે ને હું પાછો રહી જઈશ!
કાંટા તો નિર્જીવ છે
પણ સજીવોને ચલાવે છે
ચલાવતા નથી

ખેંચે છે
હંફાવે છે
રડાવે છે
દોડાવે છે
મારે છે
જીવાડે છે
સમય સમય કહીને
બિવડાવે છે.

મારે તને કાઢી નાંખવો છે
મારા જીવન નો
કાંટો છું તું..

તું કુદરત ને તો નથી ચલાવતો
પંખીઓનો કલરવ ને તારે કોઈ
સંબંધ ખરો?
સૂર્ય તને જોઈ ને ઉગે છે?
તો મારે કેમ તને અનુસરવો?

ના ના,

સમય છે તો હું છું
અસ્તિત્વ ટકાવી રાખવાનો
એક માપદંડ છે
સમય મને જીવાડશે

સમયથી આગળ થઈશ તો
મને પાછો ખેંચી લાવશે
મુઠ્ઠીથી મારા સ્વ ને
પકડશે ને પાછો લાવશે.
સમય થી પાછળ રહીશ
તો ભુલાઈ જઈશ
ભૂંસી નાંખશે મારા
સ્વ ને.


સમય જોડે રહીશ તો.....
સચવાઈ જઈશ
સચવાવું જ જાણે જીવન!
પણ આ સમય અને સમાજ મિત્રો થાય?
સમાજ પણ જોડે ચાલનારને જ
સાચવી લે છે ને!

ચાલો સમય સમાજ ને
જોડે રાખું.
જય સમય. જય સમાજ.


-મનન ભટ્ટ, 21/2/16, વિશ્વ માતૃભાષા દિવસ

Comments

Popular posts from this blog

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

આજની લગ્ન-વ્યવસ્થા

ગુ જ ર તી..... ગુજરાતી!!!