મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

 મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય 

( પ્રગતિશીલ શિક્ષણ - અંક: સપ્ટેમ્બર 2012)



થોડાં વર્ષો પહેલાં હું મારા એક સંબંધી સાથે ફરવા ગયેલો. એમના પિતાજી માતર ખેડા વચ્ચે આવેલ સોખડા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પાછળથી તે આચાર્ય થયા. (આ સંબંધી મારી દીકરીના સસરા હતા અને તેઓ નિવૃત્ત ડે. કલેકટર હતા.) અમે જ્યારે આ નાના ગામ વાસણામાં પહોંચ્યા ત્યારે મારા વેવાઈ શ્રી ગોવિંદભાઈને જોઈને ઘણા જૂના વૃદ્ધ માણસો મળ્યા અને અમને જોઈને ખૂબ ખુશ થયા. એમણે સૌએ આ જૂના અને ભૂતપૂર્વ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગણપતરામ ભટ્ટ વિશે કહ્યું. તે એક નિષ્ઠાવાન, કર્મઠ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક હતા. એક ૯૦ વર્ષના વૃદ્ધ વડીલના શબ્દો મને યાદ છે : એમણે કહ્યું, ‘ગોવિંદભાઈ, તમારા પિતાજી જેવા મૂલ્યનિષ્ઠ શિક્ષકો આજે દીવો લઈને શોધીએ તો પણ ન જડે. એ કદાપિ શાળામાં મોડા પડ્યા જ નથી. સમયથી - વહેલા જ હોય. એમણે અમને જે કંઈ વિષયો શીખવ્યા અને સંસ્કારો આપ્યા, તેનાથી અમે ખૂબ આગળ આવ્યા. કેટલાક એમના વિદ્યાર્થીઓ પરદેશમાં છે અને ખૂબ સુખી છે, આવા વિદ્યાર્થીઓ પણ આ સાહેબને યાદ કરે છે, તેઓ અમારા સુખ-દુ:ખમાં પણ અપેક્ષા વિના ઊભા રહેતા. તમારા પિતાશ્રીના અમે ખૂબ ઋણી છીએ.'' આવા આદર્શ શિક્ષક વિરલ હોય છે. આજે શિક્ષકો નથી એમ ન કહી શકાય, પણ આવા સત્ત્વશીલ શિક્ષકો જ સાચા અર્થમાં ‘ગુરુ' કહેવાય. પૂ. ગણપતરામ સાહેબની ગેરહાજરીમાં પણ એમની સુવાસ આજે પણ સોખડામાં વહે છે.


વીરસદ ગામનો પરિચય તો ન હતો, પણ આ મારો જ પ્રદેશ હતો, કારણ કે વીરસદ ચરોતરનું મહત્ત્વનું જમીન-જાગીરવાળું સમૃદ્ધ ગામ કહેવાય. હું પણ ચરોતરનો જ. શાળા બધી રીતે ખૂબ સમૃદ્ધ હતી. આચાર્ય શ્રી એસ.ડી. ભટ્ટ સાહેબ ખૂબ કડક, પણ કર્મઠ અને સત્ત્વશીલ શિક્ષક, શિક્ષણમાં નવા વિચારો લાવે અને તેને કાર્ય૨ત બનાવે. તેઓ ગણિત, સંસ્કૃત, અને અંગ્રેજી લેતા. વિષયોના નિષ્ણાત, ગાંધી વિચારધારા ધરાવે. સમય પહેલાં આવે અને મોડા સુધી કાર્ય કરે....તેઓ ખૂબ કામ કરે. શિક્ષકો પાસે પણ ખૂબ કામ લે... કડક તો હતા જ.


કોઈ શિક્ષક એમની પાસે જતાં પણ ડરે, કારણ કે એમનો ગુસ્સો જ એવો કે ક્યારે અંદરથી વિસ્ફોટ થાય તે કહેવાય નહિ. મારી દૃષ્ટિએ આ યોગ્ય ન કહેવાય. ખરેખર તો શિક્ષક નિર્ભય રીતે આચાર્યને મળી શકે તેવો સ્વભાવ જ સોનામાં સુગંધ ભળે તે રીતનો સ્વભાવ કેળવણીની દૃષ્ટિએ યોગ્ય ગણાય... પણ સ્વભાવ જન્મજાત છે એવું સમજીને સમાધાન કરવું રહ્યું ! ઠીક, બાકી ભટ્ટ સાહેબ એક દષ્ટિવંત અને નિષ્ઠાવાન આચાર્ય હતા, જેમની પાસે કેળવણીની આગવી સૂઝ અને દૃષ્ટિ હતી જે બહુ ઓછું જોવા મળે. શિક્ષક એક સમાજનું જ અંગ છે, તેથી તેની પાસે સામાજિક દૃષ્ટિ પણ હોવી જરૂરી છે. તે એકદમ અતડો ન હોવો જોઈએ, પણ વિદ્યાર્થીઓ તેની પાસે કોઈ પણ સંકોચ વિના તેને મળે.... શીખવા કે માર્ગદર્શન માટે... પણ ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓમાં એટલા બધા ભળી જતા હોય છે કે વિદ્યાર્થી તેના ખભે હાથ મૂકી વાત કરે... આ બરાબર નથી. આથી શિક્ષકની અવગણના પણ થાય અને શિક્ષક સસ્તો પણ બની જાય. 

મને યાદ આવે છે કે મારા પ્રિન્સિપાલ સાહેબ પૂ. ડોલરરાય માંકડ સાહેબ એમને અમે ગમે ત્યારે મળી શકતા, પણ એમની વચ્ચે અમારું અંતર પણ ખરુ... વિદ્યાર્થીની કોઈપણ મુશ્કેલી તે માતાની જેમ દૂર કરે અને અમને સંતોષ આપે. બસ, ખપ પૂરતી જ વાત, છતાં પણ એમની સાથેનું ઋષિતુલ્ય તાદાત્મ્ય આજે પણ અમને યાદ છે. એ ભલે આજે નથી, પણ એમણે અમારી અંદર જે સંસ્કારરૂપી સિંચન કર્યું છે તે ભુલાય એવું નથી. હું મૂલ્યનિષ્ઠ અને દૃષ્ટિવંત શિક્ષક બની શક્યો (જો કે સંપૂર્ણ રીતે નહિ, છતાં સંતોષ થાય તેવો) તે એમના લીધે જ. શાળામાં મેં શિક્ષણ કાર્ય શરૂ કર્યું; પણ મને ત્યાંના સ્ટાફે એકદમ નહિ સ્વીકારેલો... એવી વાત મારે કાને પડી. થોડી વ્યથા થઈ, પણ થોડા જ સમયમાં આ બધું સમી ગયું અને સૌએ મને એમનો પોતાનો માનીને સ્વીકાર્યો. ત્યાંના શિક્ષકો પ્રેમાળ હતા. મારા તરફ એમનો ભાવ પણ હતો જ. એમને થોડી ગેરસમજ થયેલી કે હું ભટ્ટ સાહેબને લીધે જ અહીં આવ્યો છું, કારણ કે હું બ્રાહ્મણ હતો. પણ આ વાત બરાબર ન હતી. જો કે ભટ્ટ સાહેબ સાથે મારે સારું બનતું. હું થોડો સ્વભાવે શાંત પણ ખરો (જો કે સ્વમાની હતો, તેથી ઘણીવાર અંદરથી ગુસ્સો પણ થાય.) ધીમે ધીમે અહીં હું ખૂબ સારી રીતે ગોઠવાઈ ગયો અને ત્યાં લગભગ ૨૩ વર્ષ ખૂબ પ્રેમથી રહ્યો.સૌએ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ મને ખૂબ સારો પ્રેમ પણ આપ્યો. હું શરૂઆતમાં હરજીભાઈની ખડકીમાં મણીભાઈ સાહેબના મકાનમાં રહેતો. રાત્રે એકાએક બૂમો પડી – ‘‘પાછળ આગ લાગી છે”, હું જાગ્યો અને પાણીનું વાસણ લઈને દોડ્યો. લોકોએ મને જોયો અને કહ્યું, ‘‘વૈદ્ય સાહેબ, તમે ઘેર જાવ. અમે બધા છીએ. પણ હું ત્યાં રહ્યો અને સહભાગી બની રહ્યો.'' મને અંદ૨થી આનંદ હતો. સંકટ સમયે શિક્ષક કઈ રીતે શાંત બેસી રહે !! પછી જાણવા મળ્યું કે - જેનું ઘર બળ્યું તે લઘુમતિ કોમના હતા અને એમના સ્વભાવની થોડી અણસમજને લીધે જ આ ઘટના બનેલી.... પણ સારી વાત એ હતી કે કોઈએ કુટુંબના કોઈ પણ સભ્યને શારીરિક ઈજા કરી ન હતી... ઘર બળ્યું, પણ ‘કુટુંબ બચ્યું...' મૂળભૂત લોકોની સહિષ્ણુતાને લીધે જ માનવહાનિ ન થઈ.


Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

મનનભાઈ બી.એ.એલ.એલ.બી.