કવિતાઓ નું પંચક!
[૧]
હોળીકા બાળી
પ્રહલાદને બચાવ્યો.
લોકો પોતાની અંદર
કેટલી હોળીકાઓ
રાખતાં હશે?
ક્યારેક પ્રહલાદ ઓછા
પડતા હશે એટલી
હોળીકાઓ...
[૨]
રંગબેરંગી પાણી
અને રંગો વડે શું
રંગાવાનું એ લોકો
વિચારતા હશે
જે લોકો એ
જીવનમાં
સફેદ અને કાળો
સિવાય એક પણ
બીજો રંગ ના જોયો
હોય એ લોકો તો
આ બધાં રંગોથી
ડરી જ જાય...
[૩]
ગુલાલ, કેસુડો
મને
કાચીંડાની યાદ
અપાવે છે.
કાચિંડો તો દરરોજ
ધુળેટી રમે નહી??
ધુળેટી સિવાય
પણ આવા
કેટલાય કાચીંડાઓને
મનુષ્ય સ્વરૂપે
ફરતાં
રંગ બદલતાં જોયા છે
પણ..
મને શું હક છે
એ વિષે બોલવાનો?
જયારે
હું જ
રંગ બદલતો હોઉં.
[૪]
રંગો - તરંગો
તરંગો તો
એવા ઉદભવે છે
કે
આખી પૃથ્વીને
સફેદ - કાળા
રંગે રંગી દઉં.
આ રંગો નું કામ જ શું છે?
રંગીન દુનિયા કે
રંગહીન દુનિયા?
કાળું - ધોળું
બસ બીજા રંગો તો નહીં.
કાળા ધોળાં માંજ
પડવાનું - આખડવાનું
લોકો બીજા રંગો ભરી ને
આકર્ષવાનો પ્રયાસ
તો ના કરે...
[૫]
૨ દિવસ
હોળી ધુળેટી.
૩૬૩ દિવસ
ખૂન, આત્મહત્યા
અકસ્માતો
બળાત્કારો
લુંટ
ચોરી
આ બધી હોળીકાઓ ની
શાલ નહીં
ઉડી જતી હોય?
કે પ્રહલાદ
હવે પોતે એનાં
બાપની જેમ
મદ્ થી
છકી જઈને
આવા "તાપણાંઓમાં"
નહી બેસતો હોય?
(c)મનન ભટ્ટ (૨૦૧૪, દિવસ: હોળી )
Comments