વાર્ષિક પાઠમાં...
શિક્ષક બનવા માટે બી.એડ. કરવું પડે. બી.એડ.માં પાસ થવા માટે વાર્ષિકપાઠ અથવા તો લેસન લેવા પડે અને એના પર થી ભાવિ શિક્ષકનું મૂલ્યાંકન થાય. છેલ્લા બ્લોગપોસ્ટમાં ગુજરાતી ભાષાની અવદશાની વાત કરી. આજે એક કવિતારૂપે જેના હાથમાં શિક્ષણજગતનું ભાવિ છે એવા શિક્ષકોનો વર્તમાન કેવો છે એ કહેવું છે. જયારે પણ હવે તમે વિદ્યાર્થી કે તમારા બાળકનાં શિક્ષણ માટે અભાવ થાય ત્યારે બાળક રમતિયાળ છે કે એને ભણવામાં રસ જ નથી એવા બધા ઠપકા આપવાને બદલે 'કૂવામાં હોય તો હવાડામાં આવે' એ યાદ કરી લેજો. શિક્ષક અત્યારે ભાષાનો ભક્ષક બન્યો છે! આવા જ એક વાર્ષિક પાઠમાં હાજર રહેવાનો મોકો મળ્યો અને નીચેની કવિતા રચાઈ ગઈ.
વાર્ષિક પાઠમાં...
સહેજ પણ સંતોષ તો ના થાય - વાર્ષિક પાઠમાં.
શિથિલતા 'ને ભારે નિષ્કાળજી દેખાય - વાર્ષિક પાઠમાં.
શ્રવણ, કથન, વાંચન 'ને લેખન જાય ભાડમાં;
ભાવ હીણા શબ્દો સહુ ફેંકાય - વાર્ષિક પાઠમાં.
ગદ્ય છે કે પદ્ય છે- એની ય ખબર ક્યાં પડે છે!!!
આરોહ 'ને અવરોહ બધું ભૂલાય - વાર્ષિક પાઠમાં.
બાળકોની ભાવનાઓ પળે પળ ફાંફે ચઢે છે;
આસ્થા તણો સેતુ જ થરથર થાય - વાર્ષિક પાઠમાં.
દૂધ - ભાષામાંય પણ ભૂલો તણી ભરમાર અહીં;
ધૈર્ય 'ને મીઠાશ સહુ વળ ખાય(!) - વાર્ષિક પાઠમાં.
નોંધ: ભારતનાં શિક્ષકનું પતન કે સ્તર જોવું હોય અને જીગર હોય તો નીચે મુકેલી ક્લીપ જોવા વિનંતી!!!
વિચાર- વાયુ: સર્જન અને પ્રલય શિક્ષક ના હાથ માં છે
Comments