ધનુબા....

અલ્યા વીરેન,
હું કામ મારતો હોઈશ છોકરાઓને
'ભગવાને મારેલા જ છે ને....
અલી રિદ્ધી હિંડ તો,
આપણે જઈએ રામજી મંદિર
બા, બરફ નો ગોળો ......
હિંડ અલાયુ... આઠ આના જ આપીશ  ...
તારો દાદો ક્યાં મને પૈસા જ આલે છે !!
આ તો રવિ હારો છે કે થોડા પૈસા આપીને જાય છે....

"બાબુલ"નો ગોળો હજુ પત્યો પણ ના હોય ને
"નાળીયેરી"ની દુકાન આવે .. 
બા...ચોકલેટ.....અલ્યા હજુ ગોળો તો પતાવ...
હારું, પણ આઠ આના જ છે ચાર આના વાળી ગોળીયો લેજો
વહેંચી ને ખાવાની હો ને ....
અને પછી અમારો સંઘ નીકળે માળીવાળા ખાંચાને વટાવતો....
  પોપટ લાલચુ ની દુકાન થઇ ને
રામજી મંદિર ને ત્યાંથી ગીતા મંદિર ને લાંબીશેરી થઇ ને
ભદ્રકાળી...લાલ દરવાજો ઓળંગી ને પહોંચી જઈએ ...
કુમાર શાળા ને કન્યા શાળા....
રિદ્ધિ કોણ પજવતું તું તને?
હિંડ કહી દે ...
હું આવું તારી જોડે ...
આજે તો એની "ઘાઘરી જ વંછેરી નાંખું "...
અલ્યા,મનન  રહેવા દે ને હું  મારતો હઈશ...
છોડીને મરાતું હશે?...
હાથ પર થોરિયા ઉગશે...થોરિયા...
ને પછી ખેડીયા હનુમાન
વિજયની બા એ બા ના નાનપણ ના બહેનપણી
ત્યાં પાણી પીને ...રણછોડજી મંદિર...
બા પ્રસાદી આપે ને ગામ આખાની વાતો પણ કરે...
કોકી એ આવું ના કરવું જોઈએ...
તારા બાપુ તો મહાપાખંડી 
નીતા તો છે જ નક્કામી...
વીરેન અમારો ભોળિયો...
અને યોગલો તો નક્કામો ભણ્યો જ નહીં...
બા...તમને પણ ખ્યાલ તો હશે જ ને કે આ
નાના નાના બાળકો ને શું ખબર પડવાની
આ બધી સંસાર ની વાતોમાં.
ક્યારેક ખાલી બે કાન જ પૂરતા હોય
તેમ તમે તમારો બધો જ ઉભરો ઠાલવી દેતા તા
અને
સમીતાબેન, જયાબેન, પરગ્નાબેન...રમીલામાસી
આ બધા તમારા પ્રિય પાત્રો ...
તમારું સાંભળવાનું મશીન તો
અમારા રમવા માટે જ તમારો રવિ લાવતો હ
તો એમ તમે અમને રમવા આપી દેતા તા...
બાકી...
પાંચકુકા...
સાપસીડી...
અમદાવાદ...
ઢગલાબાજી...
છાપ ....
લંગડી...
આ બધું રમવા હંમેશા નાના છોકરાની જેમ તૈયાર...
ભમરડો કઈ રીતે ફેરવાય કે પછી
 કોઈ પણ પ્રશ્ન નો જવાબ શોધવા તમારી જોડે જ આવી જઈએ...
 અને બા....પછી બપોરે આપના કારસ્તાન ચાલુ થાય ...
તમારી ગાયત્રી વામકુક્ષીમાં હોય એટલે
આપણે પહોંચી જઈએ ભોજનકક્ષ માં ...
અને બા,
પેલો મમરા ના લાડુ વાળો અખતરો તો
યાદ જ હશે ને
કેવું આપણે મંમી સુઈ જાય એટલે નવા નવા અખતરાઓ
કરતા'તા ....
બિચારી 'નાની' ની 'નજર' આપણા
આવા અખતરાઓને જ લાગતીતી...
વેલકમ એટલે ભલે પધાર્યા....
હું તો ચાર ચોપડી ભણી છું...
અંગ્રેજી મને આવડે...
જોડે ભજનો પણ તમને આવડ્તતા
ખાલી ગાતા જ ની બનાવતા પણ....
"કોઈ કોઈ નું નથી રે...કોઈ કોઈ કોઈનું નથી રે"
કે પછી
"તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર ! પડી ફાળ હૈયા મહીં તો !"
અને તમે આમ ફાળ કઈ રીતે પડે એ પણ તમારા હાવભાવ થકી બતાવો..
અને
"એકલું જવાનું વીરા, એકલું જવાનું ...ઠાઠડીએ વીરા એકલું બંધાવાનું"
ઓહ , શું એક જ મિનીટમાં તમે ભજનો બનાવી દેતા તા ...
બા, ચણીબોર...હા લઇ લે પણ મોઢું ધોઈ દેજે
નઈ તો તારી મા મને લઢશે....
અને પછી ગ્રામ પંચાયત ના નળ માં કોગળા કરી ને ઘેર પહોંચવાનું...
બા, રાતે તમે અંધારાથી પણ નહતા ડરતા નહીં??
ક્યારેક રાત્રે જાગી જવાય ત્યારે તમે રાત્રે પણ કઈ ગડમથલ કરતા જ હોવ
તમારો થેલો ખોલી ને બેઠા હોવ....
બા ક્યારેક રાત્રે જાગી જવાય છે ને આંખો તમને શોધવાની ગડમથલ કરી લે છે
પાણીદાર થઇ ને જાતે જ મીંચાય જાય છે...
હવે આંસુ લુછવા તમારો પાલવ નથી....
કે નથી તમારો ખોળો કે જેમાં લપાઈ જઈએ....
બા...ઓ ધનુબા ...
તમારું શરીર અકડાઈ રહ્યું છે ને જોડે

અમારા મન માં તમારી સ્મૃતિઓ જકડાઈ ગઈ છે ....
બા ....ખેડા હોય કે માતર હોય કે ગોળો હોય મમરા ના લાડુ હોય બધાનો જ પર્યાય
જ તમે છો...
છેલ્લા શ્વાસ સુધી
ધનુબા
એક ખૂણે ધબકતા રહેશે....

મનન ભટ્ટ 
૨-૧૧-૨૦૧૦ રાત્રે એક  વાગે ને દશ મીનીટે....

Comments

Anonymous said…
આન્ખ મા જળજળીયા..!!! BEAUTIFUL..!!something that one can relate with..!!

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|