મંટો- ૩
વેશ્યાવૃતિ
સઆદત હસન મંટોના લખાણમાં એક જાતની પારદર્શકતા અને સહજતા આંખે ઉડી ને વળગે એવી છે. એકદમ ચોખ્ખા વિચારો અને સીધી અને સરળ ભાષામાં તર્કબદ્ધ રજૂઆત. એમના લખાણો મને આનાયાશ જ ગુજરાતી સાહિત્યના ચંદ્રકાંત બક્ષી ની યાદ અપાવે છે. બક્ષીબાબુ ની લખાણ શૈલી માં મંટો વણાયેલા દેખાય છે. મને યાદ છે કે જયારે બક્ષી કલકત્તામાં પોતાના પરિવારથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારે રેડ લાઈટ એરિયા માં રહેતા હતા અને ત્યારે એમણે લખ્યું હતું, " અહીં રહેવાથી એક વાત ની ખબર પડી કે વેશ્યાઓ પણ અંતે તો એક સ્ત્રી જ હોય છે."
મંટોસાહેબએ પણ વેશ્યાવૃતિ પર એક સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં લખ્યું છે, એ અહીં હું નીચે મુકું છું.
સજ્જનો...! આ વેશ્યાવૃતિ બહુ જરૂરી છે. તમે શહેરમાં સરસ મજાની ચમકતી ગાડીઓ જુવો છો ને? પણ એ સુંદર ગાડીઓ શહેરભરની ગંદકી, કચરો ઉઠાવના કામ માં નથી આવતી. એના માટે બીજી ગાડીઓ હોય છે, જે બહુ જ ઓછી નજરે પડે છે અને જો નજરે પડે છે તો નાક પર રૂમાલ ડાબી દો છો. જેમ આ ગાડીઓનું હોવું જરૂરી છે એ જ રીતે વેશ્યાઓનું વજૂદ પણ એટલું જ જરૂરી છે. જો આ શરીરને વેચનારી સ્ત્રીઓ ના હોત તો આપની બધી ગલીયો, મહોલ્લાઓ મર્દો ની ગાંડી હરકતોથી વાજ આવી ગયા હોત.
વેશ્યા પહેલા સ્ત્રી છે અને પછી વેશ્યા છે.
વેશ્યાઓ ધંધા માં શરીર લગાવે છે, આત્મા નહિ. ચરસ કે ભાંગ નો વેપારી બંધાણી હોય એવું જરૂરી નથી...તો એની સામે બધા મૌલવી કે બધા પંડિતો પવિત્ર હોય છે એવું કોને કહ્યું??
શરીર ને પીંખી શકાય છે રૂહ ને નહીં...
વેશ્યા નિ:સહાય અને એકાકી પુરુષોની સાથી છે...એની પાસે રોજ સેંકડો મર્દ એક જ ઈચ્છા લઇ ને આવે છે. પણ એના ચાહકો ના ટોળા વચ્ચે પણ સાવ એકલીઅટૂલી છે. સાવ જ એકલી...એ રાતના અંધારામાં ચાલનારી પેલી રેલગાડી જેવી છે જે મુસાફરોને પોતપોતાના ઠેકાણે પહોંચાડી દીધા પછી એક લોઢાના છાપરા નીચે સાવ ખાલીખમ ઉભી હોય છે. સાવ જ ખાલીખમ...ધૂળ અને ધુમાડાથી રજોટાયેલી...લોકો અમને હલકટ કહે છે ખબર નથી કેમ??...રાતના અંધારા માં જે મર્દ અમારી પાસે આવે છે એ જ મર્દ દિવસના અજવાળામાં ખબર નહીં કેમ અમારી તરફ નફરત-તિરસ્કારભરી નજરે જુએ છે. અમે તો કઈ છુપાવ્યા વગર, છડેચોક અમારું શરીર વેચીએ છીએ. મર્દ અમારી પાસે આ શરીર ખરીદવા તો આવે છે પણ એ સોદાને ગોપિત રાખવા માંગે છે. એવું કેમ હશે એ નથી સમજાતું..."
વિચારવાયુ : મારામાં જે બુરાઈઓ દેખાય છે તે ખરેખર તો આ સમયની, આ જમાનાની બુરાઈઓ છે.
Comments