શ્રીમદ ભાગવત-૧

                                       આજે વાત કરવી છે શ્રીમદ ભાગવતની, હિન્દુસ્તાનમાં જન્મ્યા છે એટલે વારસામાં ઘણું બધું મળ્યું છે. અને એમાંનું એક અમુલ્ય મોતી એટલે 'શ્રીમદ ભાગવત'. હજુ ઉંમરમાં અને વાંચનમાં  નાનો છું એટલે ધાર્મિક અર્થઘટન કરવાની ક્ષમતા નથી. અને આમપણ હું શ્રીમદ ભગવતને  ધાર્મિકગ્રંથ કરતા મનોવિજ્ઞાન અને સમાજવ્યવસ્થાનું પુસ્તક હોય એમ વધુ માનું છું.  એક જગ્યા એ વાંચ્યું હતું કે કોઈ પણ ધાર્મિકગ્રંથ ને તર્ક થી નહિ શ્રધ્ધાથી વાંચવામાં જ મજા છે. ઓશોની ભાષામાં તર્ક દુ:ખ લાવે છે અને શ્રધ્ધા પણ ઘટાડે છે. પૂજ્ય મોરારીબાપુ કહે છે " જીવનમાં શું કરવું એના માટે "રામાયણ" વાંચો, જીવનમાં શું ના કરવું એના માટે "મહાભારત" વાંચો. જીવન કઈ રીતે જીવવું એના માટે "શ્રીમદ ગીતા" નો આશ્રય લો, અને મોક્ષ મેળવવા "શ્રીમદ ભગવત" ને સેવો. મોક્ષ ની વ્યાખ્યાબહુ જ સરસ છે " ઈચ્છાઓ રહે અને જીવ છુટે એને મૃત્યુ કહે છે અને ઈચ્છાઓ મરી પરવારે અને જીવ રહે એને મોક્ષ કહે છે. નાનપણ થી સંભાળતો આવ્યો છું કે જીવન માં શાંતિ મેળવવા શ્રીમદ ભગવદ વાંચવું જોઈએ. પણ ઉપર જેમ કહ્યું એમ હું ધાર્મિકગ્રંથ કરતા એને મનોવિજ્ઞાન નું પુસ્તક હોય એમ વાંચું છું અને મજા પડે છે, જોકે હું નાસ્તિક નથી. આધ્યત્મિક છું એમ કહેવું વધુ પડતું છે કારણ કે આધ્યત્મિક થવા માટે હજુ બહુ જ ક્ષમતા કેળવવાની જરૂર છે. પણ મને અધ્યાત્મપુસ્તકો વાંચવા પણ ગમે છે, મજા આવે છે....મારા માટે આધ્યાત્મ એટલે વિચાર શૂન્યતા, તત્વ ચિંતકો કહે છે મગજ માં એકપણ વિચાર ના આવે એટલે તમે પારલૌકિક શક્તિ જોડે જોડાઈ જાવ છો. બસ, હું આટલું જ સમજુ છું.

                                             અત્યાર સુધી ના વાંચન  ના અંતે એટલું જાણવા મળ્યું કે જો તમે તમારા મન પર કાબુ મેળવી લો તો લગભગ તમારે આ બધા પુસ્તકો ની જરૂર ના પડે, પણ મન પર કાબુ મેળવવા તમારે અંતે તો આવા જ કોઈ પુસ્તક નો સહારો લેવો જ પડે. મન પર કાબુ મેળવવા મને બુદ્ધ નો માર્ગ વધુ ગમે છે હમણા જ દલાઈલામા નું એક પુસ્તક  વાંચ્યું અને એમાં થી જાણવા મળ્યું કે મેડીટેશન જ મન ને સ્થિર કરવાનો ઉપાય છે. બસ તો તો હવે મેડીટેશન ના રસ્તે ચાલીશું બીજું શું....

                                                     પાછા શ્રીમદ ભાગવત પર ફરીએ મને શ્રીમદ ભાગવત ગમવાનું સૌથી મોટ્ટું કારણ એ છે કે એમાં નાની નાની વાર્તા ઓ આપી છે જેમ પંચતંત્રની વાર્તા ઓ છે એમ...અને છેવટે હરીફરીને ભાગવત  એક જ વાત પર આવે છે, મન જ બધી ઉપાધી નું કારણ અને કારક છે. જો મન તમારા કાબુ માં હોય તો કઈ જ વાંધો નથી. બહુ જ તાર્કિક અને વૈજ્ઞાનિક ઢબે બધું સમજાવ્યું છે. પણ બધી જ વસ્તુ ઓ તાર્કિક નથી એમાં કથારસ પણ છે. વિદ્વાનો કહે છે કે કોઈપણ ધર્મગ્રંથ ખાલી ઊંચા વિચારકો અને બૌધિકો માટે જ નથી લખાયો હોતો, એટલે કથારસ હોવાથી સામાન્ય જન ને પણ એમાં રસ પડે એ આશય થી એને કથા ની જેમ કહેવામાં આવે છે. પ્રલોભનો પણ આપેલા જ છે જેમ કે ભગવદ વાંચવાથી મોક્ષ મળે સ્વર્ગ મળે વગેરે વગેરે એ પણ મારા ખ્યાલ થી સામાન્ય જન માટે જ હશે, કદાચ મહર્ષિ વેદ વ્યાસ ને પણ ખ્યાલ હશે જો લોકો ને સામે કઈ મળવાની અપેક્ષા પ્રગટાવીશુ તો જ આ ગ્રંથ ને લોકો વાંચશે. ક્યારેક ક્યારેક તમને કંટાળો પણ આવે પણ જેમ જેમ તમે આગળ વધતા જાઓ અને એક પ્લેટફોર્મ તૈયાર થઇ જાય પછી બહુ વાંધો નથી આવતો. 


                                                ભગવદ ને એક જ વાક્ય માં કહેવું હોત તો એમ કહેવાય કે આ બધું આખું વિશ્વ એક માયા છે. ટૂંકમાં, જીવન એક માયા છે. આ વાત મને પણ હજુ માનવામાં નથી આવતી, અને ધારો કે માયા હોય તો પણ ગમે છે. પણ મોક્ષ પ્રાપ્તિ માટે ભાગવત એક સારી ઔષધી છે. તમને એક જાત નો સહારો તો આપે જ છે. શાંતિ પણ મળે...   શૃંગારરસ પણ સારો એવો છે. અને બધી જ ઘટનાઓ પ્રતીકાત્મક રીતે લીધી છે . ઉદાહરણ તરીકે એક પ્રસંગ(ચતુર્થ સ્કંધ, અધ્યાય ૨૫મો) ટાંકું છું. ''...તેના સ્તન યૌવનનો આરંભ સૂચવતા, સરખા ગોળ અને વચ્ચે જગ્યા વિનાના હતા. શરમને લીધે વસ્ત્રના છેડા થી તે સ્તન ને ઢાંકતી હાથણીની પેઠે ચાલતી હતી..."...હવે આ વાક્ય નો પ્રતીકાત્મક  સાર જોઈએ."...રાગ અને દ્વેષ તે બુદ્ધિના સ્તનને સ્થાને છે અને તેઓ બંને કિશોર અવસ્થામાં પ્રબળ હોય છે. કલ્યાણના માર્ગમાં સમાન વિઘ્નકર્તા છે અને નિત્ય સાથે રહેનાર છે. તેથી તેઓ ને સરખા ગોળ અને વચ્ચે જગ્યા વિનાના કહ્યા છે. વળી પશુ વગેરેની બુદ્ધિની અપેક્ષા એ મનુષ્યબુદ્ધિ લજ્જાવાળી હોય છે. તેથી કહ્યું છે કે શરમ ને લીધે તે સ્તન ને ઢાંકે છે; અર્થાત, જીવ જયારે વિરક્ત દશામાં હોય છે ત્યારે બુદ્ધિ પોતાના સ્તન જેવા રાગ અને દ્વેષ ઢાંકી દે છે. બુદ્ધિ કૈંક રાગાદીવાળી હોય છે ત્યારે હાથણી ની પેઠે ચાલે છે. "આવા તો ઘણા બધી પ્રતીકાત્મક વાતો છે જેમ કે મદોન્મત બુદ્ધિ એટલે રજોગુણ થી વ્યાપ્ત મદમાતી સ્ત્રી.





વિચારવાયુ મંગળ એટલે નિત્ય ઉત્તમ કર્મો નું આચરણ અને દુષ્ટ કર્મો નો ત્યાગ.

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|