મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડી વાહિયાત નથી.


આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પુરેપુરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખુદના બંધનનો,
બહારની કોઈ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખત ની વખત હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનું,
આખો ઈશ્વરે સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇ ને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયાની વિના નહિ ચાલે,
આમ દુનિયાની કઈ વિસાત નથી.

મારે સારું બધું સહજ છે 'મરીઝ'
કેળવેલી આ લાયકાત નથી.

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|