સાંભળતો રહું છું હું- બેફામ


પડે છે દુ:ખ તો અશ્રુ જેમ ઓગળતો રહું છું હું,
કે ઝાંખો થાઉં છું ત્યારે જ ઝળહળતો રહું છું હું.

તમારા રૂપનો આ તાપ જીરવાતો નથી મુજથી,
કે જયારે જયારે તમને જોઉં છું, બળતો રહું છું હું.

વિરહમાં જળ વિનાના મીન જેવી છે દશા મારી,
નથી તું ઝાંઝવાં ને તોય ટળવળતો રહું છું હું.

જીવનમાં સ્થિર થવાના સ્વપ્ન પૂરાં થાય કઈ રીતે?
દશા એ છે કે નિદ્રામાં ય સળવળતો રહું છું હું.

લુછીને અશ્રુ કોઈ મારા જીવનને ભરી જાઓ,
કે લ્હાલી જામ છું ને તે છતાં ગળતો રહું છું હું.

મળે એકાદ બે સુખ ના પ્રસંગો, એટલા માટે
કથામાં તમને મારી સાથ સાંકળતો રહ્યો છું હું.

પછી એ આપનાથી ભિન્ન રસ્તો હોય તો પણ શું?
મને તો આપ વાળો છો ને વળતો રહ્યો છું હું.

સુરજ તો હું ય છું પણ દિન નથી સારા મળ્યા એથી,
ઉષા જયારે ઉગે છે ત્યારથી ઢળતો રહ્યો છું હું.

નથી જો આપ મળવા આવતાં તો થાય છે શંકા,
કે મારાથી અજાણ્યો આપને મળતો રહ્યો છું હું.

હવે તો રોકનારા પણ મને રસ્તો કરી દે છે,
હવે કોઈ જનાજા જેમ નીકળતો રહ્યો છું હું.

નિછાવર સૌ સખા આ મારી એકલતા ઉપર બેફામ,
ગઝલ ગાતો રહું છું ને સાંભળતો રહું છું હું.

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|