લંડન
લંડન, તારું આકાશ ખુબ જ નીચું જાણે હમણાં જ હાથમાં આવી જશે. આકાશના તારા તોડવાના સપનાં દરરોજ આંખો વાવે અને જયારે તારા તોડવાના સપનાં તૂટે તો આંસુથી સપનાંને ફરી સીંચે! જોકે, ગલીઓ બહુ સાંકડી જાણે ગામની કેડીઓ જુદા જુદા નામ અને જુદા જુદા દામ ઓક્સફોર્ડ, બોન્ડ, રિજેન્ટ, લીટલ ટીચફીલ્ડ અને કઈ કેટલીય... આકાશ નીચું અને મકાનો ઉંચા, આ ઉંચા મકાનો પાછા આપણને ખોટી આશા બંધાવે કે તું મને સર કરી દઈશ એટલે આકાશ તારું જા.... આકાશ પાછું કાંચિડા જેવું રંગો બદલે, ક્યારેક સફેદ શાંતિમય, ક્યારેક લાલ લાલ ક્યારેક કેસરી અને ક્યારેક બધું ભેગું. અહીં, અમારે અમદાવાદમાં પારસી લોકો મૃતકને ખુલ્લામાં મૂકી દે અને ઉપર ગીધ ના ટોળે ટોળાં ઉડે. લંડનમાં સાલું બધું જોરદાર, વિમાનો ચકરાવો લેતાં હોય ત્યાં મડદાંઓને પેલા શું કહેવાય... હા, ફ્યુનરલ ડિરેક્ટરો વાળા સાચવે. સાચવે પછી બાળે કે દાટે કે કદાચ પારસી જેવું કરે, કોને ખબર! બાગ - બગીચાઓ બહુ અને બાંકડાઓ એનાથી પણ વધુ પણ કોઈ સાલું બેસનારું જ નહી! બાગમાં ખિસકોલીઓ ફરે, ફરે અને ચરે ત્યાની ખિસકોલીઓ ઓબેસિટીની ભોગ બિચારી, રામ પણ હાથ ફેરવવાનું ચુક્યો ...