Posts

Showing posts from April, 2017

ગ્લેશીયર

લાગણીના ગ્લેશીયર પીગળે આવે આંસુના ઘોડાપુર કંઈ કેટલીય વસ્તુઓ જાય તણાઈ. લાગણીઓની નદી સુકાય જાય અથવા તો વહેણ બદલે કંઈ કેટલાય પ્રસંગો ડૂબે નદીના ન હોવાપણામાં. કુદરતને હોનારત પ્રિય છે! ના, ના એવું નથી કુદરત ને પણ ઘરેડ -રૂટિન પસંદ નથી. ગ્લોબલ વોર્મિંગ લાગણીઓનું! વધુ કુદરતી બનીએ માનવનિર્મિત વસ્તુઓના સહારે?

ઘડિયાળી જીવન

Image
હા મને ' ઘડિયાળી ' જીવન નથી ગમતું ઘડિયાળના કાંટા જાણે મારી આત્મા હોય એમ શરીર ને ચલાવે છે. જાણે કાંટો આગળ નીકળી જશે ને હું પાછો રહી જઈશ! કાંટા તો નિર્જીવ છે પણ સજીવોને ચલાવે છે ચલાવતા નથી ખેંચે છે હંફાવે છે રડાવે છે દોડાવે છે મારે છે જીવાડે છે સમય સમય કહીને બિવડાવે છે. મારે તને કાઢી નાંખવો છે મારા જીવન નો કાંટો છું તું.. તું કુદરત ને તો નથી ચલાવતો પંખીઓનો કલરવ ને તારે કોઈ સંબંધ ખરો ? સૂર્ય તને જોઈ ને ઉગે છે ? તો મારે કેમ તને અનુસરવો ? ના ના , સમય છે તો હું છું અસ્તિત્વ ટકાવી રાખવાનો એક માપદંડ છે સમય મને જીવાડશે સમયથી આગળ થઈશ તો મને પાછો ખેંચી લાવશે મુઠ્ઠીથી મારા સ્વ ને પકડશે ને પાછો લાવશે. સમય થી પાછળ રહીશ તો ભુલાઈ જઈશ ભૂંસી નાંખશે મારા સ્વ ને. સમય જોડે રહીશ તો..... સચવાઈ જઈશ સચવાવું જ જાણે જીવન! પણ આ સમય અને સમાજ મિત્રો થાય ? સમાજ પણ જોડે ચાલનારને જ સાચવી લે છે ને! ચાલો સમય સમાજ ને જોડે રાખું. જય સમય. જય સમાજ. -મનન ભટ્

નાનું વર્ઝન

સવારની ચા મૂકી, આજે  પણ બે કપ મુકાઈ ગઈ, ભૂલ થી .. તું  તો હવે નથી રહેતી જોડે, હા માનસિક જોડાણ ને ખેંચાણ હજુ એવું ને એવું જ છે.. વિધુર નું દુ:ખ સમજવા હવે મારે રાહ જોવાની જરૂર નથી જેમ ઊંઘ મુર્ત્યુ નું નાનું વર્ઝન છે તેમ તમારું થોડો સમય પણ મારી જોડે ના હોવું એ વિધૂર જીવન નું નાનું વર્ઝન છે...

મુંબઈ એટલે...

મુંબઈ એટલે, ભરપૂર જમ્યા પછીનો ઓડકાર ખાઈને હજુ કઈ ખાવનું મન થાય, તે. અમદાવાદ એટલે અધૂરા ભાણે પેટ ભરાઈ જાય, એ. મુંબઈ એટલે, પેલી રાતની મુંબઈ - અમદાવાદની ડુરોન્તો ટ્રેન, ગર્ભમાંથી નીકળી ને સીધા મસાણે, તે. અમદાવાદ એટલે, જીવનનાં બધા જુદા જુદા સ્ટેશને રોકાઈ રોકાઈને ચાલતી મેમુ ગાડી. મુંબઈ એટલે, ગળામાં ભરાયેલો ડૂમો, પાનની પિચકારીમાં થૂંકવો પડે, તે. અમદાવાદ એટલે, ભીની આંખે મિત્રોના આંસુથી ઠારતાં નિસાસાઓ ને પછી દુ:ખ દર્દનું તેરમું. તે. મુંબઈ એટલે, પ્રકાશનો તાંડવ અને પર-પ્રકાશિત લોકોનું ટોળું. અમદાવાદ એટલે, ગામનાં ઘેઘુર વડ નીચે ટોળ - ટપ્પા મારતું મિત્રવૃંદ, તે. મુંબઈ એટલે, 'માસી' ના હાથનું જમણ અમદાવાદ એટલે, મા ની બનાવેલ ગરમા ગરમ રોટલી.

વારાણસી

રામ નામ સત્ય હૈં કાશીનો પહેલો ભોગ ઝડપ છે. ઉતાવળ - ઝડપને એ તરત કાળનાં એક ઘાટ પર હોમી દે છે. ધીમી ગતિ એ વારાણસીની તાસીર છે. ગંગા જેવી ગંગા જે હરદ્વારમાં ઉછળકૂદ કરીને વહે છે, એ બનારસ આવતાંની સાથે જ તોફાનો ભૂલી ધીર-ગંભીર બની જાય છે. કદાચ મણિકર્ણીકા - હરિશ્ચંદ્ર નો મલાજો રાખતી હશે. કોને ખબર? સમય પણ અહીં મોટ્ટો અને ધીમો છે. અહીં નું સત્ય સસ્તો સમય છે! માસૂમિયતની જગ્યા માયુસિયત સાથે અહીંના બાળકો જન્મે છે. ગરીબી અહીંનું સત્ય છે. સ્વચ્છતાની અહીંની વ્યાખ્યા જુદી છે. પાનની પિચકારી અને ગાયના પોદળા અહીંના લોકોને સ્વચ્છતાના અંશ લાગે છે. ગંદકી અહીંનું સત્ય છે.

કાદવ

હા, અમે ચોખ્ખા લોકો ને કાદવવાળા કરીને ખુશ થઈએ છે. કાદવ કાદવ રમીએ છે અને મજાથી ફરીએ છીએે. અમે વ્યક્તિપૂજક છીએ. કામ કરતાં વ્યક્તિઓ કરતાં અમને કામનો દેખાડો કરતાં લોકો વધુ પસંદ આવે છે. અમે ધર્મના નામે દંભના ઉપાસક છીએ. દંભનો પનો જ્યાં ટૂંકો પડે ત્યાં અમે ધર્મના નામે ગંધ ફેલાવીએ છીએ. લોકોનો આનંદ અમને અકળાવી મૂકે છે. અને દુઃખ મલકાવી જાય છે. જનતા ગાય જેવી છે, એટલે જ ગાય નું મૃત્યુ એમને એમના પોતીકા મૃત્યુ જેવું જ લાગે છે. પણ રસ્તા પરની ગાય એમને પજવી મૂકે છે. સરકારને દોષ દેવાનું વધુ એક કારણ. પણ કેટલાંય માટે રસ્તાની જ આ ગાયો પુણ્ય રળવાનું કારખાનું છે. એક રોટલી, એક પુળો, અને પછી હટ્ટ હટ્ટ હટ્ટ... -મનન ભટ્ટ।2017