મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!

 

એક અકાળ મૃત્યુ સ્વજનનું આપણી પાસે થી કંઈ કેટલું લઇને જાય છે. તમારી શ્રદ્ધા હચમચાવી નાંખે. એ શ્રદ્ધાને ફરી બેઠી કરવા ખુબ જ પ્રયત્ન કરવા પડે. તમને ઉદાસીન બનાવે. દુનિયાને જોવાનો નજરીયો બદલાઈ જાય. કદાચ આને જ હતાશા (ડિપ્રેશન) કહેતા હશે. આમ બધું જ હોય પાસે ને ઘણું બધું ના હોવાનો એહસાસ રહ્યા કરે. તમારું દુઃખ તમારે સાચવીને રાખવું પડે કારણ કે તમે કોઈ બીજા સ્વજનનું દુઃખ વધારવા નથી માંગતા. તમે આ વિષે વાત કરવામાં પણ અક્ષમ નીવડો કારણ કે તમને ખ્યાલ છે કે પરિસ્થિતિ ઘણી તરલ (fluid) છે. લાગણીનો એક ધક્કો તમારી બધી જ ભેગી થયેલી યાતનાઓ - પીડાઓ ના બંધને તોડી નાંખે અને શરુ થાય લાગણીઓના પૂરમાં તણાવાનું. જે તમે બધી જ રીતે ટાળવા માંગતા હોવ. રડી લેવું સહેલું છે પણ રડવું એ જવાબ નથી. તો જવાબ છે શું? આ કોયડો દિવસે ને દિવસે ઘટ્ટ (dense ) થતો જાય. શ્રદ્ધા ડગવાથી જાત ઉપરનો વિશ્વાસ પણ ડગવા લાગે. છેવટે આપણા હાથમાં કઈ જ નથી તો આ બધા પ્રયત્નો શા માટે? ઉપરવાળો એનું ધાર્યું જ કરવાનો છે તો આ બધી પળોજણ શા માટે? પ્રાર્થનાઓ, માંગણીઓ, હઠ , ચાહ શા માટે? આમ કોઈ વિકલ્પ તો હોતો નથી તો શું કામ વિકલ્પોનો ડોળ ? અને આ બધું જાણવા છતાં છેલ્લે એમ થાય કે શ્રદ્ધા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો ? 


આજે પપ્પા તમે બહુ યાદ આવ્યાં,
ને મેં પણ આંસુ ના પાછા વાળ્યા.

દુનિયા માટે ભટ્ટ સાહેબ, ગહન માતરી, આચાર્ય સાહેબ પણ મારા માટે ખાલી પપ્પા. હજુ હિંમત નથી થતી મનને મનાવવાની કે પપ્પા સ્વદેહે આપણી વચ્ચે નથી. પરંતુ સ્વીકાર અને ભગવાન માટેનો અહોભાવ એ જ એમનો જીવન સંદેશ હતો જે આજે અમને ટકાવી રાખે છે.

 મને યાદ નથી કે પપ્પાએ અમને બેસાડીને જીવન જીવવાની કળા વિશે સમજાવ્યું હોય! હા, એમનું જીવન જીવવું જ અમારા માટે હવે આદર્શ બની રહ્યું છે. બાળક જેવી જિજ્ઞાસા, ઉંમરે શીખવેલી ધીરજ, કામને સહજતાથી પાર પાડવાની ધગશ, સમાજ માટેની નિસ્બત, માનવ માત્ર માટે અખૂટ પ્રેમ, કુદરત તરફે સંપૂર્ણ સમર્પણભાવ, ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા આ બધી વાતો એમને જોઈને અમે શીખ્યા. આ બધી જ વાતો એમની કવિતામાં પણ લખાઈ - પડઘાઈ છે. 

આ વિષાદમાં કાવ્યો લખાઈ ગયા અને વિષાદને ખંખેરી નાંખવાનો રસ્તો જડ્યો. 




પપ્પા,
તમારી સૌથી ગમતી વસ્તુમાં 
આ ઘડિયાળ કદાચ પહેલા નંબરે હશે.
અને 
એને ચાવી પુરવી
એ તમારી ગમતી પ્રવૃત્તિ.
૨૪/૧૦ પછી 
એ મારી ગમતી પ્રવૃત્તિ છે.
ઘણું શીખવાડ્યું.
ઘણું શીખ્યો.
ઘડિયાળ ને ચલાવવા 
અને એના ડંકા વગાડવા 
બંને માટે ચાવી ચઢાવવી પડે. 
ખાલી ઘડિયાળ ચલાવવાની ચાવી
આપીએ તો ઘડિયાળ સમય બદલે
પણ ટકોરાબંધ જાણ ના કરે. 
સમયની જાણકારી તો ડંકાથી જ મળે.
ઘડિયાળ એક દોરો પણ આઘીપાછી 
ટાંગી હોય તો
એની લોલક બગાવત કરે. 
તમારી પ્રત્યક્ષ ઘેરહાજરીની પૂરક
આ ઘડિયાળ હજુ અમારો સમય
સાચવે છે....
ના 
સમય સાચવતી નથી,
સમય ભરે છે...
આ ઘડિયાળ જ્યાંથી
અટકી હોય ત્યાંથી ફરી શરુ 
કરી શકાય છે...
પણ જીવનમાં
જીતની ચાવી ભરી રામને 
ઇતના ચલે ખીલોના..
અને 
તમે કહેતા'તા
એમ કોઈ ની ગેરહાજરીથી
દુનિયા અટકી નથી જતી. 
ખરું,
પણ દુનિયા 
ટકોરાબંધ પણ નથી
રહેતી...
ખાલી
સમય ભરે છે.

-------------------------------
હમણાંથી
રોજ સવારે ચાલવા જઉં
છું...
સરસ ઠંડી હવા, 
એકદમ ખુશનુમા વાતાવરણ,
દિલ ખુશ કરે એવા પક્ષીઓ,
જોડે ધબકવા મથતું 
નગર...
કેમ અચાનક ચાલવાનું સુજ્યું?!
અરે...
હું ક્યાં ચાલવા જઉં છું?!
આ તો મારા અંદર 
રહેલા મારા બાપને 
ચાલવા લઈ જઉં છું.
એમને બહુ ગમતું 
ચાલવું...
હવે મારી જોડે એમને જીવાડવાનો
આ એક જ ઉપાય છે... 
જ્યાં સુધી આપણાં
રસ્તા ફરીથી
ભેગા ના થાય
ત્યાં સુધી હું ચાલ્યા કરીશ.
અને એક દિવસ 
મને તમે મળશો..
આનંદોહમ આનંદોહમ 
ગાતાં ગાતાં...
------------

પપ્પા, 
પેલા અરવિંદકાકા આવ્યા હતાં, 
તમારા વતી જય સચ્ચિદાનંદ કહ્યું. 
તમને માળાના મણકાં તરીકે 
યાદ કર્યા. તમે બધા મિત્રોને 
પરોવી રાખ્યા હતાં. 
તમે કહેતા હતાને 
કે કોઈના વગર જીવન અટકી નથી જતું, 
વાત તો સાચી… 
તમારી એક વરસની ગેરહાજરીએ 
સમજાવી દીધી. 
તમારી ગેરહાજરીમાં 
બધું રાબેતા મુજબ જ ચાલે છે. 
પણ…
તહેવારો, પ્રસંગો અને 
સાંજ અમને બેબાકળા 
બનાવી દે છે. 
નવરાત્રીની આરતી 
દિવાળીની રંગોળી
અને સાંજની વાતો 
વાતાવરણ ભારે કરી દે છે…. 
એક વાક્યમાં કહું ને 
તો તમારી ગેરહાજરીમાં 
ઘેર આવવાનો 
ઉમળકો નથી 
થતો…. 


આ વિષાદમાં એક પત્ર લખવાનો શરુ કર્યો અને લખ્યું "પપ્પા, હવે તમને ફાવી ગયું હશે. અમને અહીં ફાવી ગયા નો દેખાડો કરતા ફાવી ગયું છે." પત્ર અટક્યો, આંસુ નહિ. પછી તો તમારા લખેલા કાવ્યો એ જ અમને ઉર્જા તથા દિશાયુક્ત બનાવ્યા. 

બાપ તો ક્યારેય પણ મરતા નથી,
સુત ને સુતા* મહીં કાયમ વહે.
આંખ મીંચીને જરા પોકાર કર,
ભીતરે તારી સદા એ તો રહે.

- ગહન માતરી
સુત = દીકરો
સુતા = દીકરી

-------
પિતૃઓના પ્રતાપે છે જલસા અમોને ભારે,
શુભેચ્છાઓ સૌ તેઓની કાયમ અમોને તારે.

સદ્દભાવ તેઓનો છે અમારો સનાતન સાથી,
મન મૂકીને પળે પળ સ્મૃતિ ધોધ એ વહાવે!!!

પીડાઓને ભગાવી નકારાત્મકતાને હટાવી,
તન મન થયા છે શાંત કોઈના ગેબી ઈશારે!!

-વીરેન્દ્ર ભટ્ટ 'ગહન માતરી'

વિચાર - વાયુ: જીવનમાં એક જ સત્ય છે: મૃત્યુ. જીવનમાં એક જ વસ્તુ ભેદભાવમુક્ત છે: મૃત્યુ. જીવનમાં એક જ વસ્તુ બધાને પ્રાપ્ય છે: મૃત્યુ.  जातस्य हि ध्रुवो मृत्यु।।।

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|