બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

(હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી)


"The sooner forgotten, the better"  આ હતી બક્ષીબાબુની ઈચ્છા! જેટલો જલ્દી વિસરાઈ જાઉં એટલું વધારે સારું. માફ કરજો બક્ષીબાબુ તમારી વાત નથી માની રહ્યા. નેહલભાઈ, બાકાયદા બક્ષી લઇ ને ઉપસ્થિત થયાં. ૨૫મી માર્ચ, ૨૦૦૬ પૃથ્વી લોકને બાય - બાય કરી ને બીજા કોઈ લોકમાં જઈને પોતાની કલમ યાત્રા શરુ કરી બક્ષીબાબુએ .

લગભગ, ૨૦૦૫ની સાલમાં હું કોલેજ નાં પ્રથમ વર્ષમાં હતો અને ઓરકુટ અમારાં માટે એક નવું માધ્યમ અને કઈ નવું રમકડું. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો એટલે ઇન્ટરનેટ માટે સાયબરકાફેનો જ એક સધિયારો લેવો પડતો. આ જે 'નેહલ ભાઈ' છે એમનાં લીધે મારી આખી પોકેટમની સાયબરકાફેમાં વપરાવવા લાગી. નેહલભાઈ એ સમયે ઓરકુટ પર ચંદ્રકાંત બક્ષી કોમ્યુનીટી ચલાવતાં અને બક્ષીનો ભેટો લોકોને કરાવતાં. બક્ષીએ મને નેહલનો ભેટો કરાવ્યો એમ કહું તો ચાલે. બીજા એક એવા જ બક્ષીમય રજનીભાઈ પણ કોમ્યુનીટી દ્વારા પ્રાપ્ત થયાં.

નેહલ અવિરત પણે કઈ નવું નવું લખે, બક્ષીબાબુ નાં ક્વોટ્સ હોય કે એમની દિવ્યભાસ્કરમાં આવતી કોલમ હોય એ બધાની ચર્ચા. નહી - નહી ને ૨૦૦ જુદા જુદા વિષયો પર બક્ષીબાબુના વિચારો નું સંકલન. નેહલ બક્ષી માટે નો વિકિપીડિયા! આ કોમ્યુનીટી ધ્યાનમાં નહતી આવી ત્યારે હું "બક્ષીનામાં" મારી જોડે લઇ ને ફરતો જેમ થોથાપંડિત વેદ કે ગીતાજી જોડે રાખે એમ હું "બક્ષીનામાં" જોડે રાખું. જયારે પણ જીવનમાં ડાઉન ફીલ થાય ત્યારે બક્ષીનામાં થકી બક્ષીબાબુ ખભે હાથ મૂકી ને કહે કે "when going gets tough, tough gets going." "વન અપમેનશીપ" ને આવા ઘણાં વાક્યો - શબ્દો નો સહારો આપે.  પછી આ કોમ્યુનીટીએ એક ફાયદો કરી આપ્યો અડધા કિલોની બક્ષીનામાં જોડે રાખવાની જરૂર ના રહી. જયારે પણ ઈચ્છા થાય ત્યારે ઓરકુટ લોગ ઇન કરી ને સીધા બક્ષી દ્વારે.

બક્ષીબાબુ રીયાલીટીમાં ફિક્શન અને ફિક્શનમાં રીયાલીટી એવી રીતે પરોવતાં હતા કે આપણે એને જુદા જ ન કરી શકીએ. નિખાલસતા એમનો ગુણદોષ કહી શકાય. ગુજરાતી પત્રકારત્વમાં પણ એમનું યોગદાન અનોખું રહ્યું. ગુજરાતી અસ્મિતા એમનાં લેખો નો અભિન્ન અંગ ગણી શકાય. હું કોઈ સમીક્ષક તો છું નહી એટલે આનાથી વધુ એમનાં યોગદાન વિષે નહી લખું. 

પણ, નેહલને ખુબ ખુબ અભિનંદન અને વંદન કે ફરીથી શબ્દ સ્વરૂપે બક્ષીબાબુને 'ફરતાં' કરી દીધા. બ્લોગના નામ થી માંડીને એનું લે - આઉટ બધું જ દાદ માંગી લે છે. નેહલે ખ્યાલ રાખ્યો હશે કે બક્ષીબાબુ ને મીડિયોકર તો ના જ બનાવી દેવાય, અને બક્ષી જયારે નોખાં હતા ત્યારે એમનો બ્લોગ થોડો સામાન્ય રહી શકે???? ફરી થી આભાર નેહલને કે લાખો આંખોને લેપટોપ પર બક્ષીદ્રષ્ટિ અર્પી. 

વિચાર- વાયુ: “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…”- ચંદ્રકાંત બક્ષી

Comments

Popular posts from this blog

કવિતાઓ નું પંચક!

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મુંબઈ એટલે...