કુંભકર્ણના વંશજો



અમે કુંભકર્ણના વંશજો છીએ!!!
ઊંઘ... ઊંઘ... ઊંઘ...
ફેસબુક પર જાગીએ છીએ,
નિર્ભયા મરે પછી રડીએ છીએ.
રાંડ્યા પછીના ડાહપણની જેમ!
ડાહપણ વાવીએ છે,
માવજત નથી કરતાં!
સહેજ ઉગે ને એટલે
ખેંચી કાઢીએ છે, મૂળ સાથે.

બળાત્કારો... હત્યાઓ... ભ્રષ્ટાચાર...

અમારા માટે સમાચાર છે.
નવા સમાચારની રાહ જોઈએ.
બીજી નિર્ભયાની રાહ જોઈએ...
ત્યાં સુધી આરામ કરીએ ચાલો.


‘બદલી નાંખીશું’ અમારો

તકિયા કલમ છે.
સરકાર, સમાજ, પોતાને
નથી બદલી શકતાં
ત્યારે ફેસબુક સ્ટેટસ અને ફોટો
બદલીને ફૂલાઈયે છીએ.


અમે વિચારઅંધ છીએ

ના! ના!
અમે વિચાર કરીએ ખરા
પણ અમારા જ વિચારો
અમને ગમે.
અમે વિચારઘેલા
તનનાં સાફ
મનનાં મેલા!

અમને ભીડથી નફરત,

ફેસબુક પર ટોળાં બનાવવાની
આવડત!
લોકશાહી અને ટોળાંશાહીનો ભેદ
અમને નથી સમજવો
અમારે તો બસ અમારાં વિચારો
જ સાચવવાં છે!
ભલેને સડી જાય.
અમે વિચારોની કૂચ
કાઢીએ છીએ ફેસબુક પર
બીજાના વિચારોને મરણતોલ
ફટકો આપવા

બુદ્ધિ ને દાવ પર લગાડીએ છીએ.

પણ
વિચારો તો અમારાં જ જીતી જાય છે.
હાર કોની થાય છે?
બુદ્ધિની જ’સ્તો.


અમે ગાંધી – ગાંધી રમીએ છીએ

અમે જ ગાંધી
અમે જ ગોડસે
ગાંધી ગાંધી બને
એની પહેલાં
અમારો ગોડસે એને
ત્રણ ગોળી ધરબી દે છે.


ચોખ્ખાઈના નામે

અમારી ચોખ્ખી વાત છે
જે સફાઈ કરે
એ ગંદુ!
દેવીનું પૂજન - અર્ચન કરીએ
દેવીપૂજક અમને અભડાવી મારે.
હરિભક્તિમાં લીન
હરિજનથી જન્મોજન્મનું વેર.


અમને સત્તાનો નશો નથી

અમને સત્તાધારીઓના ઘેરોબો
જલસા કરાવે છે.
સત્તા સામે અમે ઘૂંટણિયે
પડીને હરખાઈએ છે.
શાણપણ અમને
બીરબલની વાર્તા જેવું
કાલ્પનિક લાગે છે.

સત્તા અમારું સત્ય

છે.

સત્યમેવ જયતે!

©મનન ભટ્ટ


Comments

Anonymous said…
Bitter but better

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|