લંડન

લંડન,
તારું આકાશ ખુબ જ નીચું
જાણે
હમણાં જ હાથમાં આવી જશે.
આકાશના તારા તોડવાના
સપનાં દરરોજ આંખો વાવે
અને જયારે તારા તોડવાના સપનાં
તૂટે તો આંસુથી સપનાંને ફરી સીંચે!
જોકે, ગલીઓ બહુ સાંકડી
જાણે ગામની કેડીઓ
જુદા જુદા નામ અને જુદા જુદા દામ
ઓક્સફોર્ડ, બોન્ડ, રિજેન્ટ, લીટલ ટીચફીલ્ડ
અને કઈ કેટલીય...
આકાશ નીચું અને મકાનો ઉંચા,
આ ઉંચા મકાનો પાછા આપણને ખોટી આશા બંધાવે
કે તું મને સર કરી દઈશ
એટલે આકાશ તારું જા....
આકાશ  પાછું કાંચિડા જેવું
રંગો બદલે, ક્યારેક
સફેદ શાંતિમય, ક્યારેક લાલ લાલ
ક્યારેક કેસરી અને ક્યારેક બધું
ભેગું.
અહીં, અમારે અમદાવાદમાં પારસી લોકો
મૃતકને ખુલ્લામાં મૂકી દે
અને ઉપર ગીધ ના ટોળે ટોળાં ઉડે.
લંડનમાં સાલું બધું જોરદાર,
વિમાનો ચકરાવો લેતાં હોય
ત્યાં મડદાંઓને પેલા
શું કહેવાય...
હા,
ફ્યુનરલ ડિરેક્ટરો વાળા સાચવે.
સાચવે પછી બાળે કે દાટે કે કદાચ
પારસી જેવું કરે,
કોને ખબર!
બાગ - બગીચાઓ બહુ
અને બાંકડાઓ એનાથી પણ વધુ
પણ કોઈ સાલું બેસનારું જ નહી!
બાગમાં ખિસકોલીઓ ફરે,
ફરે અને ચરે
ત્યાની ખિસકોલીઓ ઓબેસિટીની ભોગ
બિચારી,
રામ પણ હાથ ફેરવવાનું ચુક્યો હશે,
ઉંદરડા જેવી લાગે,
આમ આપણી ખિસકોલી જેવી ક્યુટ નહી.
હા, પણ કબુતર સેમ ટુ સેમ
આપણા કબુતર જેવાં.
અલ્યા,
લંડન, તારે ત્યાં માણસો વધારે કે
બિલાડીઓ ???
જ્યાં જુઓ ત્યાં બિલાડી ફરે.
સ્વૈર વિહાર કરે અને તમારાં
કચરાંનાં ડબ્બા ફેંદે.
માખીઓ મોટી મોટી
દિલ પર બેસેને તો દિલ
બેસી જાય એવી ભારે.
લંડનમાં માણસો પણ ખરાં,
બધા  શિસ્તબદ્ધ,
સવારે ઉઠે, ટ્રેન પકડે,
ટ્રેનમાં નાસ્તો કરે, ટ્રેનમાં ઊંઘે,
ટ્રેનમાં પેપર વાંચે,
ટ્રેનમાં મેક અપ કરે  અને...
ના ભાઈ ટ્રેનમાં બાથરૂમ ના હોય, હો ભાઈ.
ઓફીસ જાય, ઓફીસથી છૂટે, પબમાં જાય
મફતનું પેપર વાંચે, ટ્રેનમાં બેસે
ટ્રેનમાં જમે, ટ્રેનમાં ઊંઘે અને ...
ઘેર પહોંચે અને ઘેર પણ ઊંઘે.
લંડન - આઈ નામે મોટ્ટું
ચકડોળ છે ને એ જોઈને જ
તમે ચકરાવે ચઢો...
અને  બસ તો ડબલ - ડેકર
આમેય ત્યાં જીવન પણ ડબલ - ડબલ
એક લંડનનો હું
અને એક
ગુજરાતનો!!!
લંડન  તમને ના સ્વીકારે
અથવા તમે એને ના સ્વીકારો
અને ગુજરાત તમને છોડે નહી...



- મનન ભટ્ટ (૩૧/૩/૨૦૧૩) અમદાવાદ





Comments

gujaratilexicon said…
નમસ્કાર!
આપનો બ્લોગ ”મનનયન” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|